Monday, January 31, 2011

કૃષ્ણાયન

તમે કોઈને સામાન્ય ઓળખતા હોવ અને તેના વિષે વધુ જાણવાની ઈચ્છા થાય, અને એના પરિણામે જે sources મેળવો એમાંથી તમને એ વ્યક્તિ વિષે, એના વ્યક્તિત્વ વિષે સંપૂર્ણ જાણકારી મળી જાય તો કેવું લાગે? કૃષ્ણાયન આવો જ એક અનુભવ છે....


કૃષ્ણ...હિંદુ સમાજમાં,ખાસ કરીને ગુજરાતમાં ભાગ્યેજ કોઈક એવું હશે જેને નાનપણમાં રાધા-કૃષ્ણની વાર્તા, કૃષ્ણની લીલા વગેરે વિષે ના વાંચ્યું હોય. અને જેમ જેમ મોટા થતા જઈએ તેમ તેમ આ અંગેની અનેક બીજી વાર્તાઓ, કૃષ્ણના વિવિધ સ્વરૂપથી પરિચિત થતા જઈએ છીએ, અને તેથી જ કૃષ્ણ એક એવા પુરુષ તરીકે સામે આવે છે જેમનું જીવન કદાચ આજના જમાનાને અનુરૂપ હોય. આજથી ૫,૦૦૦ વર્ષ પહેલા, આજના જેવું જીવન જીવેલી વ્યક્તિને અંદરથી ઝાંખવાની ઈચ્છા સ્વાભાવિક રીતે થઇ જ જાય, અને પરિણામે એક શોધખોળ શરૂ થાય છે,આજથી લગભગ આઠ મહિના પહેલા. ઘણા બધા પુસ્તકો, બ્લોગ અને ચર્ચાઓ પછી અંતે એક નામે સામે આવે છે, “કૃષ્ણાયન-માનવ થઈને જીવેલા ઈશ્વરની વાત”


કૃષ્ણાયન આમ તો એક નવલકથા છે, પુસ્તકના સંવાદો કાલ્પનિક છે, પરંતુ પાત્રો વાસ્તવિક છે... કૃષ્ણ, રાધા, રુક્મિણી,દ્રૌપદી, સત્યભામા, અર્જુન,કર્ણ... દરેક પાત્રો અને એ દરેકનું વ્યકિતત્વ અને એ દરેક વ્યક્તિ સાથે કૃષ્ણનું સમન્વય જાણે આપણી પોતાની જ વાત લાગે...


આમ જોઈએ તો દરેક વ્યક્તિના જીવનમાં અમુક એવા સંબંધો હોય છે જેમાં એક વ્યક્તિ કૃષ્ણ નો રોલ નિભાવતી હોય અને પરિણામે અન્ય વ્યક્તિ એ કૃષ્ણની પ્રેમિકા, અર્ધાંગિની, પ્રેયસી, સખી કે મિત્ર હોય છે... અને આ બધાને પૂરતો ન્યાય આપવામાં, કૃષ્ણ પોતાનાથી જ દૂર જતા જાય છે... અને એટલે જ અંતિમ સમયે, આ બધા સંબંધો કૃષ્ણને બાંધી રાખે છે.


સામાન્ય માન્યતાઓ પ્રમાણે લોકોને લાગશે કે આ પુસ્તકમાં નરી ફિલોસોફી હશે... કૃષ્ણને લગતી અન્ય બોક્સની જેમ જ... પરંતુ ના.... આ પુસ્તકમાં તમને તમારા સાચા કૃષ્ણ મળશે,જે તમારી સાથે તમારા study table પર કે મોર્નીંગ કોફી સાથે તમારા ડાયનિંગ ટેબલ પર તમારી સાથે હશે, તમને એમના પોતાના જીવનમાંથી બોધ આપશે, પણ કોઈ ફિલોસોફીની જેમ નહિ, પરંતુ વાર્તા ની જેમ....અને જે સૌથી વધુ જાણવા મળશે તે હશે સ્ત્રી-પુરુષની માનસિકતા અને કેવી પરિસ્થિતિમાં કોણ કેવું વર્તન કરશે તેનું નિરાકરણ અને સૌથી મહત્વનો સંદેશ....

"પ્રેમ નો અર્થ પત્નીત્વ કે પતિત્વ નથી.... લગ્ન એ પ્રેમનું પરિણામ નથી....પ્રેમ એટલે એક આકાશ નીચે ઉભા રહીને એ આકાશ તરફ જોઈને પ્રિય પત્રના સ્મિતની કલ્પના કરવી"