"ચાલ, તને ચાન્સ આપી પણ દઉં, તોય મારે તારો વિશ્વાસ કેવી રીતે કરવાનો?"
"મને ચાન્સ તો આપ, જો હું બીજીવાર પણ તને ખુશ નાં રાખી શક્યો તો મને ત્રીજો ચાન્સ ના આપતી, બસ?"
વિપુલ અને જ્હાનવી કલાસમેટ હતા, એમ.બી.એ. કોલેજમાં.બંનેનેએકબીજાનો સાથગમતો હતો, જ્હાનવી તો વિપુલને દિલ ફાડીને ચાહતી હતી, કદાચ વિપુલ પણ. પણ વિપુલ પોતાની દિલની વાત ખુલીને કહી નહોતો શકતો, એને એનો ભૂતકાળ આમ કરતા રોકતો હતો. એ આ ભૂતકાળને ભૂલાવવા જ મુંબઈ આવ્યો હતો. આ ભૂતકાળમાં હતો એનો પહેલો પ્રેમ, પ્રિયંકા.
મુંબઈમાં એમ.બી.એ. ભણવાનું શરુ કર્યું ત્યારે વિપુલ એની જિંદગી પાછળ મૂકીને આવ્યો હતો, પ્રિયંકા. પ્રિયંકાએ કોઈ અન્ય સાથે લગ્ન કર્યા હતા. મુંબઈ આવ્યા બાદ, જ્હાનવી સાથે દોસ્તી થતા વિપુલે એની આગળ પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો તો ખરો, પણ પ્રિયંકા હજુ એના દિમાગમાંથી ખસી નહોતી. કદાચ એટલે જ એ જ્હાનવીને દિલ ખોલીને અપનાવી નહોતો શકતો. એક દિવસ એના મિત્ર જોડે વાત થતા, એણે વિપુલને જ્હાનવીની માફી માંગી, પ્રિયંકાને ભૂલી જઈ નવી જિંદગી ચાલુ કરવાનું કીધું વિપુલને એ વખતે શંકા હતી કે જ્હાનવી એને માફ નહિ કરે, પણ જયારે જ્હાનવીએ એને બીજી તક આપી ત્યારે વિપુલે મનોમન ગાંઠ વાળી કે એ ક્યારેય જ્હાનવીને ફરિયાદનો મોકો નહિ આપે.
એમ.બી.એ.નાં બે વર્ષ ટો જાણે આંખના પલકારામાં પસાર થઇ ગયા. આ બે વર્ષમાં જ્હાનવી અને વિપુલ એકબીજાની ખૂબ જ નજીક આવી ગયા હતા. એમના મિત્રો માટે તેઓ એક આદર્શ કપલ હતા. વિપુલે નક્કી કર્યું હતું કે જેવું એનું યુ.કે. જવાનું નક્કી થઇ જશે, એ જ્હાનવી આગળ લગ્નનો પ્રસ્તાવ મુકશે.
પરતું ફરી એકવાર નસીબે પોતાનું ચક્કર ચલાવ્યું, વિપુલ જ્હાનવી આગળ લગ્નનો કોઈ પ્રસ્તાવ મૂકે એ પહેલા જ્હાનવીએ સમાચાર આપ્યા કે એની સગાઇ રાહુલ સાથે થઇ ગઈ છે. બિચારો વિપુલ, હજી પ્રિયંકાના આઘાતમાંથી માંડ માંડ બહાર આવ્યો હતો ત્યાં જ્હાનવીએ એને બીજો આઘાત આપ્યો હતો. જોકે સાથે સાથે ભગવાને બીજી એક સારી વાત એ કરી કે વિપુલ ને યુ.કે. જઈને જિંદગી આગળ વધારવાનો મોકો આપ્યો.
યુ.કે. પહોંચ્યા બાદ વિપુલે એનો ધંધો સ્થાપ્યો અને ખૂબ મહેનત કરીને વિકસાવ્યો. ત્યાંના ભારતીયોમાં વિપુલ એક યંગ અને સફળ બિઝનેસમેન તરીકે ઉભરીને આગળ આવ્યો. આ બધી મહેનત પછી પણ એ પોતાના મિત્રો માટે મિત્રો માગે એટલો સમય ફાળવતો. એના બધા મિત્રોમાં આજે પણ ટોચનાં સ્થાને હતી, જ્હાનવી. જ્હાનવી માટે વિપુલ આજે પણ પોતાનું સર્વસ્વ છોડી શકતો. કોઈક વાર જ્હાનવી એને પૂછતી પણ ખરી કે આટલું બધું શા માટે? તો જવાબમાં વિપુલ ફક્ત એટલું જ કહેતો, 'કેમકે I Promised!'